Tuesday, August 7, 2007

ક્ષમા કરી દે !

તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !

હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતંનાઓ, પળપળની વેદનાઓ !

તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;

અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;

હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;

એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

શૂન્ય પાલનપુરી

posted by pragna

1 comment:

  1. જુદાજુદા....કવિઓની રચનાઓ એક સાથે વાંચવાની મજા આવી....અભિનંદન ...આભાર.'શુન્ય" મારા પ્રિય શાયર..........

    ReplyDelete

LIST

.........