Friday, November 30, 2007

આંસુઓના પડે છે પ્રતિબીંબ એવા દર્પણ ક્યાં છે?
કહ્યા વગર બધુંય સમજે તેવા સગપણ ક્યાં છે?

પ્રકિર્ણ

Friday, November 23, 2007

સમજાવી નથી શકતો

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.

‘મરીઝ’

Friday, November 9, 2007

કાંટા વેરનારો હું નથી

પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.

ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.

મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.

માંગવા છે જો ખુલાસા, રૂબરૂ આવી મળો,
કાગળો કે કાસીદોને માનનારો હું નથી.

બસ હવે આ ‘હું’પણાની જેલમાંથી નીકળી,
એમ જીવી જાઉં જાણે, હું જ મારો ‘હું’ નથી.

એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી.

અહમદ ‘ ગુલ’

એમ ના સમજો કે

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં

કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં

નાઝિર દેખૈયા

Thursday, November 8, 2007

મહોબ્બતમાં હવે મારો પરિચય

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ, જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર “બેફામ” શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

બરકત વિરાણી ‘બેફામ’

કોને ખબર ?

પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો “રમેશ”,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

રમેશ પારેખ

Saturday, November 3, 2007

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
————————————————-
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

કૈલાસ પંડિત

LIST

.........