Saturday, December 27, 2008

શું નામ દઉં ?

સ્વપ્નના વિસ્તારને શું નામ દઉં ?
આંધળી વણઝારને શું નામ દઉં ?

ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
તો પછી,અધિકારને શું નામ દઉં ?

હોત પંખી તો,હતો ક્યાં પ્રશ્ન કંઈ
પણ,સ્વયંના ભારને શું નામ દઉં ?

ખૂબ જોયા છે ઉજવણાં,જીતના
આડકતરી હારને શું નામ દઉં ?

ભીંતને પણ કાન છે -નક્કી થયું
ખાનગી વ્યવહારને શું નામ દઉં ?

નામ શું દઉં કાલને,ઓળખવગર
એ કહો,અત્યારને શું નામ દઉં ?

ક્યાં વધે છે શેષ જેવું આખરે
શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
ઉગતા અંધારને શું નામ દઉં ?

ડો.મહેશ રાવલ

ત્યારે આવજે

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.

ખોખલો આધાર લઈ ઊડે છે તું,
આભથી પટકાય ત્યારે આવજે.

લાગણી શબ્દોથી પર છે, જાણી લે,
મૌન જો સમજાય ત્યારે આવજે.

હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

તેં સમજના દ્વારને વાસી દીધા,
અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.

મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે.

સુનીલ શાહ

Monday, November 10, 2008

તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે,
મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું.

આદીલ મન્સુરી.

કેમ ભૂલી ગયા? દટાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

અમૃત ‘ઘાયલ’

Wednesday, November 5, 2008

તો શું જોઇતું’તું?

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?

જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;
એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આ ઉદાસી કોઇ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઇતું’તું?


અનિલ ચાવડા

Saturday, November 1, 2008

વળગણ નડ્યા કરે

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.

-મધુમતી મહેતા

Friday, October 31, 2008

રંગ રાખ્યો છે !

હતો મોઘમ છતાં,એના ઈશારે રંગ રાખ્યો છે
જુદી રીતે મળ્યો,પણ આવકારે રંગ રાખ્યો છે !

બધાએ તક મળી ત્યારે કર્યો હડધૂત,સરવાળે
ખરેટાણે,ખુદાના કારભારે રંગ રાખ્યો છે !

ચકાસ્યા ધ્યાનથી સંબંધના ખાતા નવેસરથી
થયું નક્કી,જમા કરતાં ઉધારે રંગ રાખ્યો છે !

રહસ્યો જિંદગીનાં કેમ હું જાણી શકત નહીંતર?
હતાં જે સાવ અંગત,એ સહારે રંગ રાખ્યો છે !

નથી મળતું જરૂરી અહીં,જરૂરત હોય છે ત્યારે
અલગ છે કે ખુદાએ છાશવારે રંગ રાખ્યો છે !

મળ્યું નહીં કોઇ ઘરમાં કે,ન ઘરની બ્હાર,અંગત થઈ
અમારા આંસુઓએ હરપ્રકારે રંગ રાખ્યો છે !

મળી છે શાંતિ આજે,પણ મળી છે જીવનાં ભોગે !
ન રાખ્યો જિંદગીએ,તો મઝારે રંગ રાખ્યો છે !!

ડો.મહેશ રાવલ

સ્હેજ મોડી જાણ થઈ !

આધાર અળગો થઈજવાની,સ્હેજ મોડી જાણ થઈ
'ને શક્યતા ઓછીથવાની,સ્હેજ મોડી જાણ થઈ!

તૈયાર હું તો થઈ ગયો'તો એમને સત્કારવા
સંબંધ,પાછો તૂટવાની સ્હેજ મોડી જાણ થઈ !

સપનું ય જોયું'તું હકીકત જેમ,એની ના નથી
પણ કૈંક સાલ્લું!ખૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

મેં તો લખી'તી માત્ર મારી વાત,વિસ્તારી જરા
ફણગો નવેસર ફૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

નાજુક તબક્કે પણ ન છોડી આશ મેં,દીદારની
એ બંધ બારી ખૂલવાની,સ્હેજ મોડી જાણ થઈ !

સંઘર્ષ મારો દર્દથી આજન્મ ચાલ્યો, શું કરૂં !
બહુ કારગત,નવતર દવાની સ્હેજ મોડી જાણ થઈ !

હું એમ સમજી થઈ ગયેલો નિષ્ફિકર કે,છે બધાં
સંગાથ અડધે છૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

જીરવી શકો નહીં તાપ તો,છેટાં જ રહેજો સૂર્યથી
કહેતાં નહીં કે,ઉગવાની સ્હેજ મોડી જાણ થઈ !

ડો.મહેશ રાવલ

... યાદ રાખે છે !

તમારી હર દુઆઓ, બદદુઆથી બાદ રાખે છે
તમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે !

હતો ક્યાં કોઇ મતલબ જિંદગીનો, જિંદગી પાસે
તમારો સાથ, અમને હરપળે આબાદ રાખે છે !

નહીંતર ક્યાં હતું એકેય કારણ, આપવા જેવું
હવે હરએક કારણ, અર્થનો ઉન્માદ રાખે છે !

તમે છો, એજ આશ્વાસન અસલ જાહોજલાલી છે
તમારા નામનો વૈભવ, અલગ આસ્વાદ રાખે છે !

ડો.મહેશ રાવલ

એક પળ એ એવી દેશે

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

મરીઝ

Saturday, May 3, 2008

જયારે હું શોધતો હતો

જયારે હું શોધતો હતો રણમાં પડાવ, દોસ્ત !
ઘરમાં પતંગિયાની હતી આવજાવ, દોસ્ત !

ઊભો છું ભિક્ષાપાત્ર લઈ તારે આંગણે.....
હા, હાથમાં છે ખાલી થયેલું તળાવ, દોસ્ત!

તારી સ્મૃતિઓ સાથે હવે હો સીધો સંબંધ,
ન અંતરાય બન, હવે વચ્ચે ન આવ, દોસ્ત!

વરસોથી એક નામની સંબંધ ને તલાશ,
વરસો વીત્યાં તો નામ મળ્યું અણબનાવ, દોસ્ત!

માફક તને ન આવે એ સમજી શકાય છે,
મારો સ્વભાવ અંતે છે મારો સ્વભાવ, દોસ્ત !

બસ જયારથી મળ્યું છે હલેસું કલમ તણું,
દુનિયા ફરી વળી છે આ કાગળની નાવ, દોસ્ત !

ડૉ. રઈશ એ. મનીઆર

Thursday, April 17, 2008

તકદીર ખુદ ખુદાએ લખી પણ...............

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

જલન માતરી

જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ દોડધામમાં, આ ધક્કામુક્કીમાં,
એકાદ ક્ષણ થાક ખાઈને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ રાડારાડમાં, આ બુમબરાડામાં,
એકાદ મધુર પંક્તી ગાઈને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ સંજોગો સાથેના તાલમેલમાં,
એકાદ તાલે ઝુમીને,
જો હું તને યાદ કરી લઉં,તો ચાલશે?

આ ફૂલો સમી કોમળ યાદોમાં,
એકાદ પાંખડી તોડીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ ભરઉંઘના સપનાઓમાં,
એકાદ પડખું ફરીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ હરદમ ધબકતા દીલમાં,
એકાદ ધબકારો ચુકીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ જીવનના અસીમ અંધારામાં,
એકાદ “દીપ” પ્રગટાવીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

દીપક પરમાર (”દીપ”)

Thursday, March 13, 2008

એ પ્રેમ છે

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે,

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

ડૉ. વિવેક મનહર ટેલર

મિજાજ બદલું છું

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઈ તૂફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ ચાલ હવે 'શૂન્યતા' છોડી,
દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

રાજેન્દ્ર શુકલ

કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

'રૂસવા' કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

રૂસવા

Saturday, February 16, 2008

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

બરકત વિરાણી ‘બેફામ’

તમે જો સાથ દેશો તો

તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જશે.

જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઇ પણ રસ્તે વળી જાશે.

ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.

મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઇ,
તને એ ડર કે તારી વાત કોઇ સાંભળી જાશે.

કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.

જરૂરત વીજની શી છે ? તણખલાંનો તો માળો છે,
કોઇ એમાં તિખારો મૂકશે તો પણ બળી જાશે.

રહી જશે પ્રહારો ઝીલનારા એકલા ઊભા,
ને પથ્થર ફેંકનારાઓ તો ટોળામાં ભળી જાશે.

સભામાં એમની ‘બેફામ’ એવી ગૂંગળામણ છે,
નહીં હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.

બરકત વિરાણી ‘બેફામ’
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.

હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.

જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

બરકત વિરાણી ‘બેફામ’

એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

મારે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં,
એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ?

પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને,
જ્યાં પહોંચવું છે મારી એ મંઝિલનું શું થયું ?

‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

બરકત વિરાણી ‘બેફામ’

ગલતફહેમી ન કરજે......

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી

બરકત વિરાણી ‘બેફામ’

Saturday, February 2, 2008

એટલે હું કોઇને નડતો નથી

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.

ઠેસ પહોંચે કોઇના સન્માનને,
મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.

વિનય ઘાસવાલા

ખરીદી લીધું છે રાતે જે સપનું

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

શેખાદમ આબુવાલા

Wednesday, January 30, 2008

મોટા નગર ના માણસો

મોટા નગર ના માણસો
ચહેરા વગરના માણસો

હેતુ વગરની ભીડમાં
કારણ વગર ના માણાસો

જાણે ન ઓળખતા મને
મારા જ ઘરના માણસો

અખબાર આખુ વાચતા
વાસી ખબર ના માણસો

રણ-રેત માં ડુબી ગયા
પાણીવગર ના માણસો

પાકી સડકની શોધ મા
કાચી કબરના માણસો

તેનો આ અંજામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

‘મરીઝ’

Tuesday, January 29, 2008

પત્રમાં વાદળ લખું

પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું
ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું
ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું
શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું
આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.

નેહા ત્રિપાઠી

નડે છે.

મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.

હિમાંશુ ભટ્ટ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

ઓજસ પાલનપુરી

LIST

.........