Saturday, February 7, 2009

દિલ ધરી બેઠા

કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.

તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.

પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.

કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.

અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.

કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.

અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.

અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે રૂસ્વા બની બેઠા, તમે 'રૂસ્વા' કરી બેઠા.

- "રૂસ્વા" મઝલુમી

તું મને ખૂબ પ્રિય છે

તું મને ખૂબ પ્રિય છે
છતાંય
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
એટલે જ
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
મારા એકાન્તથી ય વિશેષ
એટલે
તને બહાર પણ નહીં નીકળવા દઉં.

કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.

- સુરેશ દલાલ

આંસુ વહાવશું

કરશો તમે સિતમ અમે આંસુ વહાવશું
પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું

આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું
મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું

ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ?
એ માનશે નહીં,તો અમે મન મનાવશું

અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં
દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !

અમને ભલે. તમારી છબી પણ નહિ મળે
ગઝલો તમારા જેટલી સુંદર બનાવશું

આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી
કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?

‘આસિમ’ કરો ન આમ શિકાયત નસીબની
રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું

આસિમ રાંદેરી

LIST

.........