Saturday, March 28, 2009

દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !

આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.

બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !

નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.

હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !

દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

-’મહેક’ ટંકારવી
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિન્તુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

- મુસાફિર
જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

- વિનોદ ગાંધી

ચોતરફ માત્ર બેકરારી છે

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

- હર્ષવી પટેલ

તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

- આદિલ મન્સૂરી

વાત ક્યાં વિસરાઈ ગઈ ?

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, March 4, 2009

મઝા અનેરી હોય છે

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે.
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ‘મક્કુ’,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે

– ભવેશ ‘મક્કુ’

Monday, March 2, 2009

ચાલ જીંદગી

ચાલ જીંદગી થોડુ બેસીએ.......
વિદાય લીધી પાનખરે,વસંતની મોસમ આવી ગઈ
ચારે તરફ હતો ઉજાસ પણ,આંખ સામે એ અંધારી રાત આવી ગઈ
જે કહેવી નહોતી એ,વાત હોઠ પર આવી ગઈ
નથી ભુલાયા જે,તેમની અચાનક યાદ આવી ગઈ
ફરી પાછી આંખની સામે,એ અંધારી રાત આવી ગઈ
યાદ આવી ગઈને, આંખોના રણમાં એ વરસાદ લાવી ગઈ
ચાલ જીંદગી થોડુ બેસીએ હવે,મારા કરતા તુ વધારે થાકી ગઈ.

અજ્ઞાત

નયનથી નયન

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,
છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.

સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,
પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.

દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,
માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.

હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,
ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે.

ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,
આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે.


અજ્ઞાત

હું ઊંઘતો હતો ને

હું ઊંઘતો હતો ને મને એ મળ્યાં હતાં,
સપના દિવસનાં જાણે કે રાત્રે ફળ્યાં હતાં.

બસ ત્યારથી જ વસ્ત્ર અમે ફાડતાં રહ્યા,
જ્યારે બનીઠનીને તમે નીકળ્યાં હતાં.

પાછા અડગ બની ગયા એની જ યાદમાં,
કે જેને જોઇને અમે થોડા ચળ્યા હતાં.

જેને હું મારા એકલાનાં માનતો હતો,
જોયું સભામાં તો એ બધાથી ભળ્યાં હતાં.

એવી નજર મળી છે ફક્ત મારા દોસ્તને,
હું હસતો'તો, ને મારા દુઃખોને કળ્યાં હતાં.

હર શ્વાસ શબ્દમાં અને ધબકાર અર્થમાં,
'બેફામ'ને ગઝલમાં અમે સાંભળ્યા હતા

બરકતઅલી વિરાણી 'બેફામ'

LIST

.........