Tuesday, May 26, 2009

માં

આજે માં ના જન્મદિને માં ને ખુબજ પ્રિય ભજન સુંદર ફોટા સાથે પોસ્ટ કરું છું કદાચ આનથી વધારે સુંદર બીજી કોઈ ભેટ મારી પ્યારી માં ને નહીં આપી શકું..........




નંદબાવાને માતા જશોદાજી સાંભરે
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…..[નંદબાબાને]

સોના રૂપાનાં અહીં વાસણ મજાના
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં…..નંદબાબાને

છપ્પનભોગ અહીં સ્વાદનાં ભરેલાં
માખણની લોટી મારી રહી ગઈ ગોકુળમાં…..નંદબાબાને

હીરા મોતીનાં હાર મજાનાં
ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં ……નંદબાબાને

હીરા માણેકનં મુગુટ મજાના
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદબાબાને

હાથી ને ઘોડાની ઝૂલે અંબાડી
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં …નંદબાબાને

સારંગીના સૂર ગૂંજે મજાના
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં …….નંદબાબાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

પીળા પીતાંબર જરકસી જામા
કાળી કાળી કામળી મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

Friday, May 8, 2009

હૃદય પર ભાર લાગે છે,

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

- હેમંત પુણેકર

મૂર્ખને મુક્તિ મળે,

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

- હેમંત પુણેકર

એમ થોડો લગાવ રાખે છે

એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે

ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે

એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે

- હેમંત પુણેકર

LIST

.........