Wednesday, October 21, 2009

જા આજથી તને સવાલો નહી કરું

ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.

મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.

એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.

ચંદ્રેશ મકવાણા

સાવ અંગત એક સરનામું મળ્યું

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

હરિશ્ચન્દ્ર જોશી

Saturday, October 17, 2009



સહુ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની મંગલ કામનાઓ…

Friday, October 16, 2009

એક બસ સમજણ જો આવી જાય તો ?

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

LIST

.........