Friday, December 17, 2010

બચપણ

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો

આસિમ
જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

શૂન્ય પાલનપુરી
રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

આદિલ મન્સૂરી
એમણે જવુ હતુ,જતા રહ્યા…

અમારે ખોવુ હતુ,અમે ખોઇ ચુક્યા…

ફર્ક તો ખાલી એટલોજ હતો કે…

એમણે જીંદગી નો એક પળ ખોયો

…અને અમે…

એક પળ માં આખી જીંદગી…!!!
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

બાકી મજામાં છું

વિંધી ગયું કંઈક આરપાર,બાકી મજામાં છું
રક્ત ના વહ્યું લગાર, બાકી મજામાં છું

જીવવાના સઘળાં કારણો ખુટી પડ્યા છે
તારા જ નામનો આધાર,બાકી મજામાં છું

આંસુને બહાર નિકળવા પર પાબંદી છે
અંદર વરસે અનરાધાર, બાકી મજામાં છું

હવે કાબુમાં રહેશે કાયદો અને વ્યવસ્થા !
અપેક્ષાઓને કરી તડીપાર,બાકી મજામાં છું

પ્રણવ ત્રિવેદી

Wednesday, December 15, 2010

તૂટ્યા પછી સાંધ્યું નથી…!

હકથી વધારે કઈં જ મેં માગ્યું નથી
મારા પછી, બીજું કશું તાગ્યું નથી

હા, એક-બે અપવાદ છે પણ એ પછી
કઈં જિંદગીના પોત પર ટાંક્યું નથી

શું થાત જો રહી જાત સઘળું યાદ તો ?
સારૂં થયું કે યાદ કઈં રાખ્યું નથી

સપનાં ય જોયાં છે, ગજું જોયા પછી
ફળ એટલે અતિરેકનું ચાખ્યું નથી

સહુની સમસ્યા આમ તો સરખી જ છે
ટાળી શકે, એ કોઈએ ટાળ્યું નથી !

પીવી પડે છે છાશ પણ ફૂંક્યા પછી
છે કોણ એ, જે દુધથી દાઝ્યું નથી ?

સંધાય તો પણ તડ નિશાની છોડશે
તેથી, કશું તૂટ્યા પછી સાંધ્યું નથી !

ડો.મહેશ રાવલ

LIST

.........