Tuesday, February 23, 2010

સમજી ગયાં હશે

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયા હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે !


નિનાદ અધ્યારુ ‘નિનાદ’

એ મારો જ પડછાયો હતો

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

શૂન્ય પાલનપુરી
તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે -
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

જગદીશ જોષી

Wednesday, February 17, 2010

પ્હેલા મૌનથી ઘેરે છે
ને પછી શબ્દથી વ્હેરે છે
આ માણસ કેમ રોજ
જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
-?કવિ

Friday, February 5, 2010

.

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

-

LIST

.........