Tuesday, July 24, 2012

રાખ્યો નહીં.....!

સ્વજન થઇને સ્વજન જેવો તમે વહેવાર રાખ્યો નહીં
રહ્યા સાથે તમે, પણ સાથમાં સહકાર રાખ્યો નહીં !

અમે તો સાથ માગ્યો’તો તમારો જિંદગીભરનો
તમે તો જિંદગીમાં જીવવાનો સાર રાખ્યો નહીં !

સજાવ્યા’તા સુંવાળા કૈંક સપનાંઓ અમે તો, પણ
તમે એકેય સપનાં પર કશો અધિકાર રાખ્યો નહીં

પ્રસંગોપાત મળવાનું થતું, એ પણ નથી બનતું
ફરી મળવા વિષે પ્રસ્તાવ પણ સ્વીકાર રાખ્યો નહીં

ભરોસો આજપણ ઓછો નથી અમને તમારા પર
તમે તો ખુદ ભરોસાને, ભરોસેદાર રાખ્યો નહીં !

સ્મરણ સંજીવની થઇને જીવાડે છે મને, નહીંતર
જગતમાં કોઇએ બીજો કશો આધાર રાખ્યો નહીં

પ્રણયમાં તો મરીને પણ અમર થઇ જાય છે માણસ
મને મારા મરણનો પણ તમે, હકદાર રાખ્યો નહીં !

ડો.મહેશ રાવલ

અટપટો રસ્તો હશે તો ચાલશે

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે.


- સુનીલ શાહ

Friday, July 6, 2012

આ દીકરીઓ મોટી કેમ થઇ જતી હશે...?

આજે મારી દીકરીના જન્મદિને ........



















આ દીકરીઓ મોટી કેમ થઇ જતી હશે...?

વ્હાલના વિશાલ દરિયામાંથી
સમજણની સરિતા કેમ થઇ જતી હશે..?
આ દીકરીઓ મોટી...

મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું
તો ક્યારેય તમને નહિ છોડું શીદને કહેતી હશે...?
આ દીકરીઓ મોટી...

હમણાં તો ચોકલેટ માટે એને લડતી
ને આજ દવા મને કેમ ખવડાવતી હશે...?
આ દીકરીઓ મોટી...

આમ તો જુવો તો મારી જ છે એ સુગંધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાવતી હશે..?
આ દીકરીઓ મોટી...

હાર્દિક યાજ્ઞિક

LIST

.........