Saturday, December 22, 2012

ભીતર ન સળગે; ચાલશે, એવો રિવાજ છે,
બસ દ્વાર પર દીવો હશે, એવો રિવાજ છે !
 
દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે !
 
જ્યાં ચાલી નીકળો તમે નોખી જ રાહ પર,
કો’ રાહ જોતું રોકશે, એવો રિવાજ છે !
 
જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
એ માત્ર ઢોલ પીટશે, એવો રિવાજ છે !
 
પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !
 
બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !
 
સુનીલ શાહ

No comments:

Post a Comment

LIST

.........