Saturday, September 29, 2012

ક્યાં જશું


શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું
અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું

માત્ર લૂલા સ્વાર્થ ખાતર હર વખત
સત્યને તોડી-મરોડી ક્યાં જશું !

શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં
શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું !

કરગરે અસ્તિત્વ ખાતર લાગણી
એ હદે, એને વખોડી ક્યાં જશું

ક્યાં રહ્યો છે કોઇ સથવારો “મહેશ”
લઇ દશા આવી કફોડી ક્યાં જશું       

 

Wednesday, September 5, 2012

પ્રથમ સૂર્ય પાસે …

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે

હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
મળે છે મને, વાત તારી કરે છે

આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે

સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!

મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે

અચાનક મળી તું, અવાચક છું હું, પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે

- હેમંત પુણેકર

એનો વિવાદ છે…!

દોડું છું તોય ના પડું, એનો વિવાદ છે,
જીવી રહ્યો છું ફાંકડું, એનો વિવાદ છે.

કૈં કેટલા પ્રસંગે વહ્યાં છે આ આંસુ પણ,
લઈ હોઠે સ્મિત હું રડું, એનો વિવાદ છે
.
ઘર મહેલ જેવું હોઈ શકે છે વિશાળ પણ,
આખર હૃદય હો સાંકડું, એનો વિવાદ છે.

ખોટી કરે જે વાત, ન એને સહન કરું,
પરખાવું છું હું રોકડું, એનો વિવાદ છે.

વાંધો નથી એ કોઈને, ખુલ્લી કિતાબ છું,
હર પાને સ્વચ્છ સાંપડું, એનો વિવાદ છે…!


સુનીલ શાહ

LIST

.........