Saturday, December 22, 2012

અણબનાવ છે.

અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે ?
 
જોઈ લે, તારે હાથે મળ્યો એ જ ઘાવ છે,
એમાં છુપાઈ બેઠો એ, તારો સ્વભાવ છે.
 
વાદળનો વેશ લઈ હજી ઈચ્છાનું આવવું,
સુખ સાથે જિંદગીની સતત ધૂપછાંવ છે.
 
આખર મને મળી ગયા ફૂલો બધાંયે, પણ
બસ, એક ફૂલનો હજીયે કાં અભાવ છે ?
 
બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.

શી રીતે..?


હોય ના એ બતાવું શી રીતે ?
રોજ ઈશ્વરને લાવું શી રીતે..! 
 
ઘેનમાં ડૂબ્યું લોક શ્રદ્ધાના,
ત્યાં હું શંકા ઉઠાવું શી રીતે ? 
 
છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
કોઈથી દોરવાવું શી રીતે ?
 
હોય કિસ્સા હજી અધૂરાં ત્યાં,
ક્હે, તને હું સમાવું શી રીતે ? 
 
સાવ કાંટાળો માર્ગ છું, હું તો
કોઈ પગલાં વધાવું શી રીતે ?


ભીતર ન સળગે; ચાલશે, એવો રિવાજ છે,
બસ દ્વાર પર દીવો હશે, એવો રિવાજ છે !
 
દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે !
 
જ્યાં ચાલી નીકળો તમે નોખી જ રાહ પર,
કો’ રાહ જોતું રોકશે, એવો રિવાજ છે !
 
જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
એ માત્ર ઢોલ પીટશે, એવો રિવાજ છે !
 
પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !
 
બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !
 
સુનીલ શાહ

ફાંટા પડ્યા

સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા.
 
હોય, હોવી જોઈએ મનને તલાશ,
આખરે ક્યાં આપણે ખોટા પડ્યા ?
 
દૂરથીયે મ્હેક લઈ આવ્યા તમે,
સૌ હવાના વ્યાપથી ભોંઠા પડ્યા.
 
લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.
 
ચીસ સાથેની સફર લખતો રહ્યો,
ડાયરીનાં પાનાં બસ ઓછાં પડ્યાં.
 
સુનીલ શાહ
 

LIST

.........