Thursday, October 17, 2013

માણસ

મળશે, માણસ ઓછા મળશે,
માણસ યાને, ભ્રમણા મળશે.
એકલ-દોકલ, ચોરે ચૌટે,
માણસ નામે પુતળા મળશે.
ઉઘડે તો ઉઘાડી જો જો
માણસ સહુ અધખુલ્લા મળશે.
ટોળે વળશે હરખાતા,પણ
ખપ ટાણે કચવાતા મળશે
ઉગતા-ઢળતા સૂરજ સાખે,
માણસ કૈં આથમતા મળશે.
રંગો તો પણ રંગાશે નહીં
કાયમ કાળા-ધોળાં મળશે
દોરા-ધાગા ,ટીલા-ટપકાં
માણસ ત્યાં અટવાતા મળશે.
પંખી, ટહુકા, ઝરણાં – નિર્મળ,
માણસ ક્યારે એવા મળશે ?
ઈશ્વર, તું ઉત્તર દેને ભઇ !
માણસ થઇ, માણસ ક્યાં મળશે ?


સુનીલ શાહ

સમજાય તો…

સોળઆના સાવ સાચી વાત છે સમજાય તો
આપણી સાચી મૂડી,આ જાત છે સમજાય તો
પૂજતાં આવ્યા ભલે દઇ અર્ઘ્ય, ઉગતા સૂર્યને
અસ્તની એની ય માથે ઘાત છે સમજાય તો
ફૂલ પર ઝાકળસમું છે આપણું હોવાપણું
જે ગણો તે, આટલી મીરાત છે સમજાય તો
કોઇપણ સંબંધ,નિર્ભર લાગણીપર હોય છે
લાગણી તો ઈશ્વરી સોગાત છે સમજાય તો
ખૂટતી જાહોજલાલી છે બટકણાં શ્વાસની
શ્વાસ ખુદ,ઉચ્છવાસની ખેરાત છે સમજાય તો
જન્મથી,માણસપણું મોહતાજ છે સંજોગનું
હર ઘડી-પળની અલગ વિસાત છે સમજાય તો
સામસામા છેદ ઉડતાં હોય છે સમજણ વિષે
છેવટે જે કંઇ વધે,ઓકાત છે સમજાય તો !

ડૉ.મહેશ રાવલ

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

મને હારી જવાનો ડર નથી તોય -,
ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

તમારી આંખમાં ખોયું હતું મેં જે -,
મને પાછી જરૂરત એ જગત ક્યાં છે?

ખરેખર તો શરૂ તૂટયા પછી થાશે,
અરે!સંબંધ છે આ તો શરત ક્યાં છે?

અંકિત ત્રિવેદી

Wednesday, October 16, 2013

સવાલો ક્યાં કદી બદલાય છે

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.  

 –   હિતેન  આનંદપરા




LIST

.........