Saturday, March 30, 2013

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

અમૃત ‘ઘાયલ’, 

Wednesday, March 20, 2013

મારા હોવાનું સખા, કારણ છે તું !

એકધારી હોય ના કોઈ ભાવના,
તું સદા ભરતીની આશા રાખ મા.

મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.

પાનખર તો છે વસંતી ખાતરી,
-ને ફરીથી મ્હોરવાની કામના.

હા, ઘણા સ્વપ્નો ફળ્યાં છે આંખને,
તું નથી એમાં તો એ શું કામનાં?!

એમ નહીં તાગી શકે એનું ઊંડાણ,
‘ઊર્મિ’ને બુદ્ધિ વડે તું માપ ના !  


 ’ઊર્મિ’

Monday, March 11, 2013

દર્દ જીરવી ગયો....

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો

સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો

સાવ ખૂણામાં મને નાખી દઈ
પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”

રોજ બદલ્યો મને થોડોથોડો
ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

એનું પથ્થરપણું વધતું જ ગયું
પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!

- હેમંત પુણેકર

તો ?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

- ચિનુ મોદી “ઇર્શાદ”

LIST

.........