Saturday, June 30, 2007

તું મને ન શોધ

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

અંકિત ત્રિવેદી
posted by pragna

Thursday, June 28, 2007

માં

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.
હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.
આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.


-અશોક ચાવડા ‘બેદિલ’
Posted by- Pragna

Wednesday, June 27, 2007

સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;અલ્લાહ !
તને પરદાની જરૂરત શું છે ?

- મરીઝ

બધાને આવતો સરખો વિચાર હોઇ શકું
અગર વિચારના વર્તુળની બહાર હોઇ શકું
હું કોઇ નક્કી નથી કે મને વિચારી શકો
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઇ શકું

- રમેશ પારેખ

સુવાક્યો

ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન

LIST

.........