Showing posts with label ઉર્વીશ વસાવડા. Show all posts
Showing posts with label ઉર્વીશ વસાવડા. Show all posts

Thursday, April 3, 2014

જાતની સાથે જ સોબત થઇ ગઇ

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
- ઉર્વીશ વસાવડા

Saturday, August 25, 2012

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે ?

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
 ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
 તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
 શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
 દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
 છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
 પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
 જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !


 - ઊર્વીશ વસાવડા

Tuesday, January 20, 2009

એ જ સમજાયું નહીં

આ ચરણને શું થયું છે એ જ સમજાયું નહીં,
બારણા ખોલ્યા પછી પણ બહાર નીકળાયું નહીં.

રંગ, પીંછી, કાગળો, ને આંખ સામે એ હતા,
ચિત્ર એનું તે છતાં મારાથી ચિતરાયું નહીં.

ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.

કૈક તો ઓછપ હશે આ આપણી પીડા મહીં,
એટલે તો આંસુઓનું પાત્ર છલકાયું નહીં.

પત્રની પહેલી લીટીના સહેજ સંબોધન પછી,
એ અભિવ્યક્તિનું ધોરણ ક્યાંય જળવાયું નહીં.

ઉર્વીશ વસાવડા

LIST

.........