Wednesday, August 24, 2022

 દોડતાં આવ્યા અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં!

સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયા.

આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.

પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,
આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.

આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
તે છતાં સદભાગ્ય એ કે બસ… અમે જીવી ગયાં.

– કિરણસિંહ ચૌહાણ






No comments:

Post a Comment

LIST

.........