Showing posts with label ડો.મહેશ રાવલ. Show all posts
Showing posts with label ડો.મહેશ રાવલ. Show all posts

Thursday, October 17, 2013

સમજાય તો…

સોળઆના સાવ સાચી વાત છે સમજાય તો
આપણી સાચી મૂડી,આ જાત છે સમજાય તો
પૂજતાં આવ્યા ભલે દઇ અર્ઘ્ય, ઉગતા સૂર્યને
અસ્તની એની ય માથે ઘાત છે સમજાય તો
ફૂલ પર ઝાકળસમું છે આપણું હોવાપણું
જે ગણો તે, આટલી મીરાત છે સમજાય તો
કોઇપણ સંબંધ,નિર્ભર લાગણીપર હોય છે
લાગણી તો ઈશ્વરી સોગાત છે સમજાય તો
ખૂટતી જાહોજલાલી છે બટકણાં શ્વાસની
શ્વાસ ખુદ,ઉચ્છવાસની ખેરાત છે સમજાય તો
જન્મથી,માણસપણું મોહતાજ છે સંજોગનું
હર ઘડી-પળની અલગ વિસાત છે સમજાય તો
સામસામા છેદ ઉડતાં હોય છે સમજણ વિષે
છેવટે જે કંઇ વધે,ઓકાત છે સમજાય તો !

ડૉ.મહેશ રાવલ

Saturday, September 29, 2012

ક્યાં જશું


શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું
અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું

માત્ર લૂલા સ્વાર્થ ખાતર હર વખત
સત્યને તોડી-મરોડી ક્યાં જશું !

શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં
શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું !

કરગરે અસ્તિત્વ ખાતર લાગણી
એ હદે, એને વખોડી ક્યાં જશું

ક્યાં રહ્યો છે કોઇ સથવારો “મહેશ”
લઇ દશા આવી કફોડી ક્યાં જશું       

 

Tuesday, July 24, 2012

રાખ્યો નહીં.....!

સ્વજન થઇને સ્વજન જેવો તમે વહેવાર રાખ્યો નહીં
રહ્યા સાથે તમે, પણ સાથમાં સહકાર રાખ્યો નહીં !

અમે તો સાથ માગ્યો’તો તમારો જિંદગીભરનો
તમે તો જિંદગીમાં જીવવાનો સાર રાખ્યો નહીં !

સજાવ્યા’તા સુંવાળા કૈંક સપનાંઓ અમે તો, પણ
તમે એકેય સપનાં પર કશો અધિકાર રાખ્યો નહીં

પ્રસંગોપાત મળવાનું થતું, એ પણ નથી બનતું
ફરી મળવા વિષે પ્રસ્તાવ પણ સ્વીકાર રાખ્યો નહીં

ભરોસો આજપણ ઓછો નથી અમને તમારા પર
તમે તો ખુદ ભરોસાને, ભરોસેદાર રાખ્યો નહીં !

સ્મરણ સંજીવની થઇને જીવાડે છે મને, નહીંતર
જગતમાં કોઇએ બીજો કશો આધાર રાખ્યો નહીં

પ્રણયમાં તો મરીને પણ અમર થઇ જાય છે માણસ
મને મારા મરણનો પણ તમે, હકદાર રાખ્યો નહીં !

ડો.મહેશ રાવલ

Tuesday, March 29, 2011

ક્યાંસુધી ?

રોજ એનું એજ ચક્કર ક્યાંસુધી
જાતની સાથે જ ટક્કર ક્યાંસુધી

મૂળમાંથી ખોખલું હોવાપણું
માનવાનું સાવ નક્કર ક્યાંસુધી

રોજ સાલ્લું તૂટવું કાં તોડવું !
વેઠવાના દર્દ નવતર ક્યાંસુધી

કોણ હાથો થઈ ગયું હથિયારનો
વાઢવા રહેવાનું તત્પર ક્યાં સુધી

જિંદગીના અર્થને સમજ્યાવગર
ઝંખવાના મૂળ અવસર ક્યાંસુધી

અસ્ત થઇ ઊગી શકે, એ સૂર્ય છે
આગિયાની જાત સધ્ધર ક્યાંસુધી

એક ઈશ્વરની હયાતી શોધવા
પૂજવાના રોજ પથ્થર ક્યાંસુધી ?

ડો.મહેશ રાવલ

પ્રેમને દેખાય છે !

નિતનવા નુસ્ખા કરીને છેતરી લેવાય છે
આંખની શરમે હવે ક્યાં કોઇને બક્ષાય છે !

મનસુધી પહોંચી જવું, લગભગ અકસ્માતે બને
પણ હવે એવા અકસ્માતો જવલ્લે થાય છે !

અન્યને અજવાળવા ખુદ તાપણું બનવું પડે
એટલું ગંભીરતાથી ક્યાં કશું લેવાય છે ?

ખાતરી કરવી પડે વિશ્વાસની, દિવસો જુઓ !
સંશયો ઘેરાય છે ત્યાં આંગળી ચીંધાય છે

આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે
દેખતાં કરતા વધારે, પ્રેમને દેખાય છે !

એકની શ્રદ્ધા, બીજાની અંધશ્રદ્ધા નીકળે
ખપ મુજબ અહીં રોજ ઈશ્વર ત્રાજવે તોળાય છે !

છે દિવસની વાત નોંખી, રાતનો વૈભવ અલગ
પાડ માનો સૂર્યનો કે, રોજ આવે-જાય છે !

ડો.મહેશ રાવલ

એ પછીની વાત છે.....

એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે
જિંદગી ટલ્લે ચડી’તી, એ પછીની વાત છે

એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી
જીદ મારી પણ નડી’તી, એ પછીની વાત છે

એ અલગ છે કે ચડી ગઇ લોકજીભે વારતા
બે’ક અફવા પણ ભળી’તી, એ પછીની વાત છે

આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ
લાગણી ઓછી પડી’તી, એ પછીની વાત છે

વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની
ગાંઠ, છેડે જઇ વળી’તી એ પછીની વાત છે

થઇ ગયું ધાર્યું ન’તું એ આખરે, આગળ જતાં
માન્યતા મોડી મળી’તી એ પછીની વાત છે

સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું
જાત આખી ખોતરી’તી,એ પછીની વાત છે

ડો.મહેશ રાવલ

Wednesday, December 15, 2010

તૂટ્યા પછી સાંધ્યું નથી…!

હકથી વધારે કઈં જ મેં માગ્યું નથી
મારા પછી, બીજું કશું તાગ્યું નથી

હા, એક-બે અપવાદ છે પણ એ પછી
કઈં જિંદગીના પોત પર ટાંક્યું નથી

શું થાત જો રહી જાત સઘળું યાદ તો ?
સારૂં થયું કે યાદ કઈં રાખ્યું નથી

સપનાં ય જોયાં છે, ગજું જોયા પછી
ફળ એટલે અતિરેકનું ચાખ્યું નથી

સહુની સમસ્યા આમ તો સરખી જ છે
ટાળી શકે, એ કોઈએ ટાળ્યું નથી !

પીવી પડે છે છાશ પણ ફૂંક્યા પછી
છે કોણ એ, જે દુધથી દાઝ્યું નથી ?

સંધાય તો પણ તડ નિશાની છોડશે
તેથી, કશું તૂટ્યા પછી સાંધ્યું નથી !

ડો.મહેશ રાવલ

Thursday, September 17, 2009

તો લખ મને........

થીજી ગયેલું સ્વપ્ન થોડું ઓગળે,તો લખ મને
એકાદ કારણ ઓળખીતું નીકળે,તો લખ મને !

આશ્ચર્ય વચ્ચે આજપણ અકબંધ છે,ઇચ્છા બધી
પડખું ફરી સંબંધ પાછો સળવળે,તો લખ મને !

પ્રશ્નોત્તરી યોજાય છે,અપવાદના કિસ્સા વિષે
સંદર્ભનાં થર વાસ્તવિકતા સાંકળે,તો લખ મને !

તસ્વીરના ઐશ્વર્યનો ઈતિહાસ તો નિઃશબ્દ છે
ભાષાવગરના અર્થને વાચા મળે,તો લખ મને !

છાંયા વિષે કઈ ખાતરી આપી શકો,તડકાવગર ?
તાત્પર્ય લઈ વાદળપણામાં જળ ભળે,તો લખ મને !


ડો.મહેશ રાવલ

Friday, April 17, 2009

વિસ્તાર

વિસ્તાર તો, વળગણ તરફ વિસ્તારજે
સંબંધને, સમજણ તરફ વિસ્તારજે

શું પાંગરે, અતિરેકના આશ્લેષમાં ?
વૈશાખને, શ્રાવણ તરફ વિસ્તાર જે.

ખાલી ચડેલી જીભ, લોચા વાળશે
શબ્દાર્થ, ઉચ્ચારણ તરફ વિસ્તારજે

મારે, કશું ક્યાં જોઈએ છે સામટું ?
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે !

ભીંતો ય રાખે છે, રજેરજની ખબર
અફવા, સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે.

ઊંડાણ રસ્તાનું ચરણને છેતરે
એવી પળે, આંગણ તરફ વિસ્તારજે !

લે, આજ આપું છું તને આ જાત, પણ
કાં ખેસ, કાં ખાપણ તરફ વિસ્તારજે.

ડો.મહેશ રાવલ

નક્કી કરો !

શું બાદ, શું વત્તા કરું નક્કી કરો !
ખાલી જગામાં શું ભરું, નક્કી કરો !

કઈ હદ પછી, અનહદ ગણી લેશો મને ?
હું કેટલો, ક્યાં વિસ્તરું નક્કી કરો !

મારા ગળે ક્યાં કોઈ વળગણ છે હવે ?
શું કામ, પાછો અવતરું નક્કી કરો !

તડકા વગર પણ સૂર્ય સદ્ધર હોય છે
સંધ્યા, ઉષા, શું ચીતરું, નક્કી કરો !

આવી જશે ક્યારેક એ પણ કામમાં
ક્યા સર્પને, ક્યાં સંઘરું, નક્કી કરો !

નક્કર ગણો છો એટલી નક્કર નથી
કઈ ભીંત, ક્યાંથી ખોતરું, નક્કી કરો !

કોણે કહ્યું કે શબ્દ કૌવતહીન છે ?
ક્યો પાળિયો બેઠો કરું, નક્કી કરો !

ડો.મહેશ રાવલ

Tuesday, January 20, 2009

ચર્ચા નકામી છે

અધૂરાં રહી ગયેલાં પર્વની ચર્ચા નકામી છે
અજાણ્યાં થઈ મળેલાં, સર્વની ચર્ચા નકામી છે !

વિષય નાજુક હતો, સંબંધનાં નામક્કરણનો, પણ
અનાહત રહી ગયેલાં, ગર્વની ચર્ચા નકામી છે !

દશા બદલાય છે ત્યારે જ તૂટે આવરણ ઉપલાં
જવાદો! એ ઝખમ, એ દર્દની ચર્ચા નકામી છે !

ઘણાંને કામ આવ્યાં, એજ અમને કામ ના આવ્યાં
અહીં, એ સંઘરેલાં સર્પની ચર્ચા નકામી છે !

તમારે શું? તમે તો જિંદગી પગભર કરી લીધી
અમારા કારમા સંઘર્ષની ચર્ચા નકામી છે !

રગેરગ ઉતરીગઈ છે હવે ખારાશ, છોડી દ્યો!
અવિરત્ આંસુનાં સંદર્ભની ચર્ચા નકામી છે !

નજીવા કારણો પણ નિર્ણયાત્મક થઈ શકે સાબિત
દુઆ, ને બદદુઆના ફર્કની ચર્ચા નકામી છે !


ડૉ.મહેશ રાવલ

કઈંનથી !

એકધારી જિંદગીમાં, ધાર જેવું કઈંનથી !
સ્વપ્ન છે,પણ સ્વપ્નના વિસ્તાર જેવું કઈંનથી

સાવ ખાલી હાથનો આ ખોખલો વૈભવ, સતત
બંધબેસે ક્યાં ? કશા આધાર જેવું કઈંનથી

યંત્રવત્ ચાલ્યા કરે છે શ્વાસમાં, હોવાપણું
થાક છે, પણ થાકના ઉપચાર જેવું કઈંનથી!

એજ રસ્તો, એ વળાંકો, એજ હું, ને આ બધું
કોઇના અસ્તિત્વમાં, અધિકાર જેવું કઈંનથી!

સાંકળી લેવાય છે સંવાદ,પાત્રો,ને કથા
મૂળ મુદ્દો એ હતો કે, સાર જેવું કઈંનથી !

એ ખરૂં કે શક્યતા ઘેરાય છે, ચારેતરફ
પણ, હજૂ વરસાદના અણસાર જેવું કઈંનથી!

છેવટે થઈગઈ અસર, અફસોસ કેવળ એજ છે
લાગણીનાં ડંખનાં ઉપચાર જેવું કઈંનથી !!


ડૉ.મહેશ રાવલ

Saturday, December 27, 2008

શું નામ દઉં ?

સ્વપ્નના વિસ્તારને શું નામ દઉં ?
આંધળી વણઝારને શું નામ દઉં ?

ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
તો પછી,અધિકારને શું નામ દઉં ?

હોત પંખી તો,હતો ક્યાં પ્રશ્ન કંઈ
પણ,સ્વયંના ભારને શું નામ દઉં ?

ખૂબ જોયા છે ઉજવણાં,જીતના
આડકતરી હારને શું નામ દઉં ?

ભીંતને પણ કાન છે -નક્કી થયું
ખાનગી વ્યવહારને શું નામ દઉં ?

નામ શું દઉં કાલને,ઓળખવગર
એ કહો,અત્યારને શું નામ દઉં ?

ક્યાં વધે છે શેષ જેવું આખરે
શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
ઉગતા અંધારને શું નામ દઉં ?

ડો.મહેશ રાવલ

Friday, October 31, 2008

રંગ રાખ્યો છે !

હતો મોઘમ છતાં,એના ઈશારે રંગ રાખ્યો છે
જુદી રીતે મળ્યો,પણ આવકારે રંગ રાખ્યો છે !

બધાએ તક મળી ત્યારે કર્યો હડધૂત,સરવાળે
ખરેટાણે,ખુદાના કારભારે રંગ રાખ્યો છે !

ચકાસ્યા ધ્યાનથી સંબંધના ખાતા નવેસરથી
થયું નક્કી,જમા કરતાં ઉધારે રંગ રાખ્યો છે !

રહસ્યો જિંદગીનાં કેમ હું જાણી શકત નહીંતર?
હતાં જે સાવ અંગત,એ સહારે રંગ રાખ્યો છે !

નથી મળતું જરૂરી અહીં,જરૂરત હોય છે ત્યારે
અલગ છે કે ખુદાએ છાશવારે રંગ રાખ્યો છે !

મળ્યું નહીં કોઇ ઘરમાં કે,ન ઘરની બ્હાર,અંગત થઈ
અમારા આંસુઓએ હરપ્રકારે રંગ રાખ્યો છે !

મળી છે શાંતિ આજે,પણ મળી છે જીવનાં ભોગે !
ન રાખ્યો જિંદગીએ,તો મઝારે રંગ રાખ્યો છે !!

ડો.મહેશ રાવલ

સ્હેજ મોડી જાણ થઈ !

આધાર અળગો થઈજવાની,સ્હેજ મોડી જાણ થઈ
'ને શક્યતા ઓછીથવાની,સ્હેજ મોડી જાણ થઈ!

તૈયાર હું તો થઈ ગયો'તો એમને સત્કારવા
સંબંધ,પાછો તૂટવાની સ્હેજ મોડી જાણ થઈ !

સપનું ય જોયું'તું હકીકત જેમ,એની ના નથી
પણ કૈંક સાલ્લું!ખૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

મેં તો લખી'તી માત્ર મારી વાત,વિસ્તારી જરા
ફણગો નવેસર ફૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

નાજુક તબક્કે પણ ન છોડી આશ મેં,દીદારની
એ બંધ બારી ખૂલવાની,સ્હેજ મોડી જાણ થઈ !

સંઘર્ષ મારો દર્દથી આજન્મ ચાલ્યો, શું કરૂં !
બહુ કારગત,નવતર દવાની સ્હેજ મોડી જાણ થઈ !

હું એમ સમજી થઈ ગયેલો નિષ્ફિકર કે,છે બધાં
સંગાથ અડધે છૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

જીરવી શકો નહીં તાપ તો,છેટાં જ રહેજો સૂર્યથી
કહેતાં નહીં કે,ઉગવાની સ્હેજ મોડી જાણ થઈ !

ડો.મહેશ રાવલ

... યાદ રાખે છે !

તમારી હર દુઆઓ, બદદુઆથી બાદ રાખે છે
તમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે !

હતો ક્યાં કોઇ મતલબ જિંદગીનો, જિંદગી પાસે
તમારો સાથ, અમને હરપળે આબાદ રાખે છે !

નહીંતર ક્યાં હતું એકેય કારણ, આપવા જેવું
હવે હરએક કારણ, અર્થનો ઉન્માદ રાખે છે !

તમે છો, એજ આશ્વાસન અસલ જાહોજલાલી છે
તમારા નામનો વૈભવ, અલગ આસ્વાદ રાખે છે !

ડો.મહેશ રાવલ

એક પળ એ એવી દેશે

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

મરીઝ

Saturday, December 15, 2007

ચર્ચા ન કર

વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર.

લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે ,ચર્ચા ન કર.

ચર્ચાય તો ,ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર.

એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મ્રુગજળ વિષે ,ચર્ચા ન કર.

જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી ,અસતનાં બળ વિષે ,ચર્ચા ન કર .

ડૉ.મહેશ રાવલ

LIST

.........