Showing posts with label નિનાદ અધ્યારુ ‘નિનાદ’. Show all posts
Showing posts with label નિનાદ અધ્યારુ ‘નિનાદ’. Show all posts

Tuesday, February 23, 2010

સમજી ગયાં હશે

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયા હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે !


નિનાદ અધ્યારુ ‘નિનાદ’

LIST

.........