Showing posts with label રમેશ પારેખ. Show all posts
Showing posts with label રમેશ પારેખ. Show all posts

Tuesday, June 25, 2013

શું બોલીએ ?




શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

રમેશ પારેખ

Friday, June 21, 2013

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.

ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.

ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….


– રમેશ પારેખ

Friday, February 5, 2010

.

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

-

Thursday, November 8, 2007

કોને ખબર ?

પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો “રમેશ”,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

રમેશ પારેખ

Thursday, July 12, 2007

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે…

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણપાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાનહીં

રમેશ પારેખ
posted by pragna

LIST

.........