Tuesday, June 24, 2014

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી…
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી…
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી…
શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી…
એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી…
– હરિન્દ્ર દવે

એક રાજા હતો એક રાણી હતી

એક રાજા હતો એક રાણી હતી,
એ તો તારી ને મારી કહાણી હતી…
કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી,
મારી તો વાટ આખી અજાણી હતી…
માત્ર એના અનુભવ થયા સૌ નવા,
પ્રીત તો એની સાથે પુરાણી હતી…
જીંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા,
જીંદગીમાં બીજી કયાં કમાણી હતી…
એક ચાદર હતી આભની ઓઢવા,
રાતના જોયું તો એ’ય કાણી હતી…
ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ’ નું,
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી…

– બરકત વિરાણી ‘બેફામ’

તારા શહેરનો વરસાદ…!

ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.
હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.
નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.
થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!
છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!
હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

- કરસનદાસ લુહાર

LIST

.........