Thursday, July 31, 2014

હૈયું કદાચ આંખથી

હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,
નિર્દોષ મારો પ્રેમ વગોવાઈ જાય તો…
વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,
મરવાને બદલે જો કદી જીવાઈ જાય તો…
એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,
મારી જ સામે મારાથી રોવાઈ જાય તો…
શબ્દોના ભાવ મોં ઉપર રાખી લીધા ‘અમર’,
આવે એ પેહલા આંખ જો મીંચાઈ જાય તો…
- ‘અમર’ પાલનપુરી

સમજની બ્હાર છે .

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…
ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા,
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે…
સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઇ, એ શમનની બ્હાર છે…
ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય,
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે…
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે…
- અનિલ ચાવડા

બાગમાં ટહુકો છળે

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?
આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?
સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?
પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું

મેઘબિંદુ

LIST

.........