Tuesday, July 31, 2007

આપણે

મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે,
ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ્યા તે આપણે…

સાત સાગર પાર જઇને સામે કિનારે ઊતર્યા,
ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે.

આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ,
ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડ્યા તે આપણે.

‘જટિલ’
Posted by Pragna

Monday, July 30, 2007

દિવસો જુદાઈના જાય છે

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ગની દહીંવાલા
posted by pragna

Saturday, July 21, 2007

કાજળભર્યા નયનનાં

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

અમૃત 'ઘાયલ'
Posted By Pragna

હાથ લંબાવી નથી શકતો

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.

અમૃત ‘ઘાયલ’
Posted By Pragna

જીવન

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

- અમૃત ‘ઘાયલ’
posted by pragna

Friday, July 13, 2007

ઈશ્વર

જગતના સધળા સુખનુ કારણ તમે જ છો
માનવ મનના દુઃખનુ મારણ તમે જ છો

કહે છે લોકો શૂન્યમાંથી થયું સર્જન
મારા માટે એ શૂન્ય પણ તમે જ છો

કર્મો ભોગવવા એ નસીબની વાત છે
વિરડીને ધરબેલું રણ તમે જ છો

મારે મન તમે જ ઇદ અને દિવાળી
રંગ લઇ આવતો ફાગણ તમે જ છો

પોતાને જ સર્વસ્વ માને જ્યારે વિદ્વાનો
સાચને પારખતી મુંઝવણ તમે જ છો

તલભાર ન ડગે પથ્થરમાંથી શ્રધ્ધા જ્યારે
અંધકારમાં પ્રકાશનું કિરણ તમે જ છો

દુનિયા પૈસાથી પોતાનો વ્યવહાર ચલાવે છે
મારા વ્યવહારનુ ચલણ તમે જ છો

તમે જ છો દયાસિંધુ ક્ષમાના સાગર,
પ્રેમનું અવિરત ઝરણ તમે જ છો

તમારા જ કરકમળ ઝુલાવે છે પારણામાં
મરણ વખતે ઓઢાતું ખાંપણ તમે જ છો

આખરે પંચમહાભુતમાં ભળી જાય નશ્વર દેહ
મુક્તિના આનંદની આખરી ક્ષણ તમે જ છો

વિશાલ મોણપરા
posted by pragna

તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?

હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?

હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

વિશાલ મોણપરા
posted by pragna

જરાક મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો

બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.

મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો

વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો

વિશાલ મોણપરા
Posted by Pragna

Thursday, July 12, 2007

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે…

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણપાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાનહીં

રમેશ પારેખ
posted by pragna

Wednesday, July 11, 2007

એક ટહુકો પામવા

એક ટહુકો પામવા અહેસાનમાં,
લાગણી આપી રહી છું દાનમાં.

આભથી ધરતી લગી એ વિસ્તરી,
વાત કહેવાની હતી જે કાનમાં.

ફૂલદાનીનો હશે મોભો કબૂલ,
ફૂલની શોભાય છે વેરાનમાં.

કેટલા પયગંબરો આવી ગયા,
કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?

જ્યાં કિનારાની અભિલાષા કરી,
નાવ સપડાઇ ગઇ તોફાનમાં.

શબ્દ સાથે હાથ મેળવવો હતો,
આ ગઝલ તેના અનુસંધાનમાં.

પૂર્ણિમા દેસાઇ
Posted by Pragna

LIST

.........