મળ્યા ઘાવની હું અસર સાચવું છું.
હૃદયમાં બધાની કદર સાચવું છું
છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર,
કૈં સપનાં હવે આંખ પર સાચવું છું.
પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી,
હૃદયમાં, હજી એ નજર સાચવું છું.
લગાતાર હું છેતરાયો વસંતે,
ને તેથી, સતત પાનખર સાચવું છું.
સનાતન છે આ દર્દ મારું, એ કારણ,
હજી આંસુઓને ભીતર સાચવું છું.
તમે આમ અધવચ ગયા હાથ છોડી,
છતાં, યાદની હું સફર સાચવું છું.
છે, અકબંધ યાદો તમારી સૌ ખૂણે,
હું ટહુકા વિનાનું એ ઘર સાચવું છું.
સુનિલ શાહ
No comments:
Post a Comment