હું ઊંઘતો હતો ને મને એ મળ્યાં હતાં,
સપના દિવસનાં જાણે કે રાત્રે ફળ્યાં હતાં.
બસ ત્યારથી જ વસ્ત્ર અમે ફાડતાં રહ્યા,
જ્યારે બનીઠનીને તમે નીકળ્યાં હતાં.
પાછા અડગ બની ગયા એની જ યાદમાં,
કે જેને જોઇને અમે થોડા ચળ્યા હતાં.
જેને હું મારા એકલાનાં માનતો હતો,
જોયું સભામાં તો એ બધાથી ભળ્યાં હતાં.
એવી નજર મળી છે ફક્ત મારા દોસ્તને,
હું હસતો'તો, ને મારા દુઃખોને કળ્યાં હતાં.
હર શ્વાસ શબ્દમાં અને ધબકાર અર્થમાં,
'બેફામ'ને ગઝલમાં અમે સાંભળ્યા હતા
બરકતઅલી વિરાણી 'બેફામ'
No comments:
Post a Comment