એક બાળકનેય જે સમજાય એવું બોલજે
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે
મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે
આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે
કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે
કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.
આગ છે વાતાવરણમાં; વાતમાં; જઝબાતમાં
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.
ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.
સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.
‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !
ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.
રિષભ મહેતા
No comments:
Post a Comment