Saturday, September 12, 2009

કહું છું ક્યાં કે .........

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.

આદિલ મન્સૂરી

No comments:

Post a Comment

LIST

.........