વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો.
એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી,
હુંય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.
કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.
આંસુનાં દરિયા બધા આવી ગયા ભરતી મહીં,
એટલે હું રણ મહીં આખોય ભીંજાયો હતો.
દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.
સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
‘પ્રેમ’ આવી કોઇ સંધ્યામાં જ સચવાયો હતો.
- જિગર જોષી ‘પ્રેમ’
સરસ ગઝલ.
ReplyDelete