સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે
ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે
મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે
ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
- પ્રણવ પંડ્યા
No comments:
Post a Comment