જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.
સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.
આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.
લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.
મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.
શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.
એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.
બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.
-બેફામ
No comments:
Post a Comment