દ્વારની નોખી જ ત્યાં ગણના હતી,
પગરવોની પણ અજબ દુનિયા હતી…!
ચીસ ને ચિત્કાર સહુ કોઠે પડ્યાં,
કાન માટે ક્યાં નવી ઘટના હતી ?
ચાલ…એવું મેં ચરણને ના કહ્યું,
ચાલવાની વાતે ક્યાં શંકા હતી ?
ભીતરી એ આક્રમણ સમજાયું ના,
જળ વચાળે તૂટતી નૌકા હતી.
એટલું ઝીલ્યું, ઝિલાયું જેટલું,
મારા ખોબાનીય એક સીમા હતી.
સ્હેજ મોડું થઈ ગયું ઘર પહોંચતા,
વાટ જોતી જાગતી રહી, ‘મા’ હતી..!
સુનીલ શાહ
No comments:
Post a Comment