Thursday, April 3, 2014

જાતની સાથે જ સોબત થઇ ગઇ

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
- ઉર્વીશ વસાવડા

Wednesday, March 5, 2014

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી

- બરકત વિરાણી ‘બેફામ’

Monday, February 10, 2014

સંકટભરી છતાંય મને એ ગમી હતી,

સંકટભરી છતાંય મને ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.

બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની જગતમાં ભલા ક્યાં કમી હતી.

બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી તો એની સભામાં રોશની હતી.

અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.

દર્શન થયાનહીં મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.


-અદમ ટંકારવી

Thursday, February 6, 2014

શક્યતાઓની પણ પેલે પાર મળીએ



શક્યતાઓની પણ પેલે પાર મળીએ
બની શકે તો બસ અપરંપાર મળીએ

પછીની અવસ્થા જો એ જ હોય તો
ચાલને પહેલેથી જ નિરાકાર મળીએ

હું માટીનું ઢેફું ને તું અષાઢી વાદળ
તરસના સોગંદ, અનરાધાર મળીએ

બંધ કિલ્લા જેવા શરીરની વાત છોડ
એવું કરીએ ક્યાંક બારોબાર મળીએ


પ્રણવ ત્રિવેદી



Saturday, November 9, 2013

અધૂરી છે….

એવું સ્હેજ પણ છે નહિ, વારતા અધૂરી છે,
તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે.

જેમને ન સમજાઈ લાગણી કદી મારી,
એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે.

રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે..?
એમની કશે ને ક્યાં, બસ દુઆ અધૂરી છે…!

જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે.

રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે.

સુનીલ શાહ

Thursday, October 17, 2013

માણસ

મળશે, માણસ ઓછા મળશે,
માણસ યાને, ભ્રમણા મળશે.
એકલ-દોકલ, ચોરે ચૌટે,
માણસ નામે પુતળા મળશે.
ઉઘડે તો ઉઘાડી જો જો
માણસ સહુ અધખુલ્લા મળશે.
ટોળે વળશે હરખાતા,પણ
ખપ ટાણે કચવાતા મળશે
ઉગતા-ઢળતા સૂરજ સાખે,
માણસ કૈં આથમતા મળશે.
રંગો તો પણ રંગાશે નહીં
કાયમ કાળા-ધોળાં મળશે
દોરા-ધાગા ,ટીલા-ટપકાં
માણસ ત્યાં અટવાતા મળશે.
પંખી, ટહુકા, ઝરણાં – નિર્મળ,
માણસ ક્યારે એવા મળશે ?
ઈશ્વર, તું ઉત્તર દેને ભઇ !
માણસ થઇ, માણસ ક્યાં મળશે ?


સુનીલ શાહ

LIST

.........