તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?
રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનું
આમતેમ કે આડું અવળું તમે જ જોતાં રહો
તમે તમોને છેતરવાને તમે તમારી
જૂઠી વારતા તમને ખુદને કહો…
દરપણમાંથી પ્રતિબિંબ ખોવાય જાય
ને જ્યાં જાવ ત્યાં પાછળ પાછળ એકાદું દરપણ આવે તો ?
તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
‘હવે નથી બચવું’ એ નક્કી કરી
તમે તમારી અકબંધ હોડી તોડી નાખો,
દરપણ ફૂટે એ પહેલાં તો તમે તમારી
જાતને મારી પથ્થર ખુદને ફોડી નાખો !
તમે હજુ તો ફૂટી જવાની અણી ઉપર હો
અને તમોને બચાવવાને કોક અજાણ્યું જણ આવે તો ?
તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
– અનિલ વાળા