જો, કેવા અવકાશની વચ્ચે તારી જગ્યા રાખી છે
ઈશ અને ઈશવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.
તેં જગ્યા રાખીતી મારી, બે સ્ટેશનની વચ્ચે, કિન્તુ
મેં પૂરા પ્રવાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.
પાટપૂજામાં દેખાતો હું એક જ સૌની નજરે પણ
જ્યોત અને અજવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.
ત્યારે કડવા ઝેરકટોરા અમરત થાતા, શ્યામ સુંદર !
વિષ અને વિશ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.
બોલ ! તને કઈ જગ્યાએ રહેવું છે રાજીખુશીથી
મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.
~ સ્નેહી પરમાર
No comments:
Post a Comment