Thursday, September 17, 2009

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

સુરેશ દલાલ

તો લખ મને........

થીજી ગયેલું સ્વપ્ન થોડું ઓગળે,તો લખ મને
એકાદ કારણ ઓળખીતું નીકળે,તો લખ મને !

આશ્ચર્ય વચ્ચે આજપણ અકબંધ છે,ઇચ્છા બધી
પડખું ફરી સંબંધ પાછો સળવળે,તો લખ મને !

પ્રશ્નોત્તરી યોજાય છે,અપવાદના કિસ્સા વિષે
સંદર્ભનાં થર વાસ્તવિકતા સાંકળે,તો લખ મને !

તસ્વીરના ઐશ્વર્યનો ઈતિહાસ તો નિઃશબ્દ છે
ભાષાવગરના અર્થને વાચા મળે,તો લખ મને !

છાંયા વિષે કઈ ખાતરી આપી શકો,તડકાવગર ?
તાત્પર્ય લઈ વાદળપણામાં જળ ભળે,તો લખ મને !


ડો.મહેશ રાવલ

Saturday, September 12, 2009

કહું છું ક્યાં કે .........

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.

આદિલ મન્સૂરી

Wednesday, September 9, 2009

ગજબની ગઝલ હતી.

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

Thursday, September 3, 2009

મારું એ બાળપણ છૂટ્યું!

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું,
હાય! મારું એ બાળપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છુટ્યું!

પણ હતું – એમનાથી નહીં બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમનાં પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.

તું અને પાર પામશે એનો?
બુધ્ધિ, તારું ન ગાંડપણ છૂટ્યું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે!
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું.

‘શયદા’

Wednesday, August 26, 2009

મને ખ્યાલ પણ નથી

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

હરીન્દ્ર દવે

LIST

.........