Saturday, January 2, 2010

આટલી નફરત ન કર

વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો.

એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી,
હુંય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.

કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.

આંસુનાં દરિયા બધા આવી ગયા ભરતી મહીં,
એટલે હું રણ મહીં આખોય ભીંજાયો હતો.

દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.

સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
‘પ્રેમ’ આવી કોઇ સંધ્યામાં જ સચવાયો હતો.

- જિગર જોષી ‘પ્રેમ’

Monday, December 21, 2009

મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…

…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?

કાજલ ઓઝા- વૈદ્ય

Friday, November 20, 2009

પંખીની આંખથી હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને કોલંબસે આંખમાં પૂર્યો
હું ટાપું શોધતું કોઈ વહાણ છું.

અજય પુરોહિત

Wednesday, October 21, 2009

જા આજથી તને સવાલો નહી કરું

ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.

મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.

એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.

ચંદ્રેશ મકવાણા

સાવ અંગત એક સરનામું મળ્યું

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

હરિશ્ચન્દ્ર જોશી

Saturday, October 17, 2009



સહુ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની મંગલ કામનાઓ…

LIST

.........