Wednesday, December 21, 2011

એક મોજું એ રીતે અથડાય છે


એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને


છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા

Wednesday, November 16, 2011

પાનખરોમાં પાન ખરે

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.


વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.


સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.


તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.


મુકેશ જોશી


Tuesday, August 30, 2011

એક વખત

એક વખત
એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ …
એનું ગમતું મને કબૂલ.
ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.
ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી… વ્યથિત થતો…
હવે…..
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી


-વિપિન પરીખ
કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.

- જલન માતરી

મારી હાર-જીત બધી

મારી હાર-જીત બધી તારી જિંદગીની બંધ બાજીમા છે
મારી મમત કે ગમ્મત તારી મરજીની સંમતીમાં છે

મારી સૂષ્ટીની અવિચળ આરાધના તારા ભકિતભાવમાં છે
મારા સૃષ્ટીના તમામ સુખ તારી અંખડ આરાધનામાં છે

મારી પૃથ્વી પરની હાજરી નક્કી તારી જ કોઇ ચાલ છે
મારી દરેક પળનુ અસ્તિત્વ નક્કી તારા રહેમોકરમમાં છે

(નરેશ કે.ડૉડીયા)

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી

Sunday, June 19, 2011

આજે ફાધર્સ ડે નિમિત્તે !




















‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

- કિરણ ચૌહાણ

Thursday, June 16, 2011

પગરવ

મારી અંદર આજે
અવર-જવર છે
લાગે છે
કોઇના સ્મરણનો પગરવ છે!!!

એક કવયિત્રી

અસ્તિત્વ

ઉઠતાંવેંત
એક મા તરીકે
બાળકોને
લંચબોક્સ, સ્કૂલબેગ, વોટરબેગ
આપે છે
એક પત્ની તરીકે
પતિને
પેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટ
શોધી આપે છે
પણ, કોઇ નથી ખોળી આપતું
એના
ખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!!

એક કવયિત્રી
પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…

“શુન્ય પાલનપુરી

Saturday, May 28, 2011

દીકરીના લગ્ન પછી, ઘરમાં

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’

જયંત પાઠક

દૂરતા કોઈ વખત મોંઘી પડી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી
તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

શયદા

Tuesday, March 29, 2011

ક્યાંસુધી ?

રોજ એનું એજ ચક્કર ક્યાંસુધી
જાતની સાથે જ ટક્કર ક્યાંસુધી

મૂળમાંથી ખોખલું હોવાપણું
માનવાનું સાવ નક્કર ક્યાંસુધી

રોજ સાલ્લું તૂટવું કાં તોડવું !
વેઠવાના દર્દ નવતર ક્યાંસુધી

કોણ હાથો થઈ ગયું હથિયારનો
વાઢવા રહેવાનું તત્પર ક્યાં સુધી

જિંદગીના અર્થને સમજ્યાવગર
ઝંખવાના મૂળ અવસર ક્યાંસુધી

અસ્ત થઇ ઊગી શકે, એ સૂર્ય છે
આગિયાની જાત સધ્ધર ક્યાંસુધી

એક ઈશ્વરની હયાતી શોધવા
પૂજવાના રોજ પથ્થર ક્યાંસુધી ?

ડો.મહેશ રાવલ

પ્રેમને દેખાય છે !

નિતનવા નુસ્ખા કરીને છેતરી લેવાય છે
આંખની શરમે હવે ક્યાં કોઇને બક્ષાય છે !

મનસુધી પહોંચી જવું, લગભગ અકસ્માતે બને
પણ હવે એવા અકસ્માતો જવલ્લે થાય છે !

અન્યને અજવાળવા ખુદ તાપણું બનવું પડે
એટલું ગંભીરતાથી ક્યાં કશું લેવાય છે ?

ખાતરી કરવી પડે વિશ્વાસની, દિવસો જુઓ !
સંશયો ઘેરાય છે ત્યાં આંગળી ચીંધાય છે

આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે
દેખતાં કરતા વધારે, પ્રેમને દેખાય છે !

એકની શ્રદ્ધા, બીજાની અંધશ્રદ્ધા નીકળે
ખપ મુજબ અહીં રોજ ઈશ્વર ત્રાજવે તોળાય છે !

છે દિવસની વાત નોંખી, રાતનો વૈભવ અલગ
પાડ માનો સૂર્યનો કે, રોજ આવે-જાય છે !

ડો.મહેશ રાવલ

એ પછીની વાત છે.....

એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે
જિંદગી ટલ્લે ચડી’તી, એ પછીની વાત છે

એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી
જીદ મારી પણ નડી’તી, એ પછીની વાત છે

એ અલગ છે કે ચડી ગઇ લોકજીભે વારતા
બે’ક અફવા પણ ભળી’તી, એ પછીની વાત છે

આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ
લાગણી ઓછી પડી’તી, એ પછીની વાત છે

વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની
ગાંઠ, છેડે જઇ વળી’તી એ પછીની વાત છે

થઇ ગયું ધાર્યું ન’તું એ આખરે, આગળ જતાં
માન્યતા મોડી મળી’તી એ પછીની વાત છે

સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું
જાત આખી ખોતરી’તી,એ પછીની વાત છે

ડો.મહેશ રાવલ

Saturday, March 26, 2011

શું હોય છે ?

સાવ ખુલ્લું હોય છે,
આભ સૌનું હોય છે.

છાંયડા વ્હેંચી ગયું,
વૃક્ષ ભોળું હોય છે.

શ્વાસ થંભી જાય તો !
શ્વાસમાં શું હોય છે ?

નાવને ડૂબાડતું,
છિદ્ર, નાનું હોય છે.

એ જ બસ ચર્ચાય છે,
કે જે, મોટું હોય છે !

સુનીલ શાહ

જો જાત ઝબોળીને

લે, હૃદય હું બતાવું ખોલીને,
તોય તું આવે ક્યાં છે દોડીને !

તું મળે, તો મળે છે એ રીતે,
ટીચવા આવે છે લખોટીને !

ટાંકણાની ફિકર કરે છે પણ,
કેમ છે, પૂછ્યું છે હથોડીને ?

પ્રેમનો અર્થ એમ ના સમજાય,
જો, પ્રથમ જાત ત્યાં ઝબોળીને.

એટલે રાખું છું કફન સાથે,
જઈ શકું જો સમય વળોટીને !

સુનીલ શાહ

સાચુકલો અવાજ

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે.... સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં

જવાહર બક્ષી

ખૂબ મુશ્કેલ છે લુપ્ત થાવું

સર્વ ખેંચાણમાંથી મુક્ત થાવું,
ખૂબ મુશ્કેલ છે લુપ્ત થાવું.

મારી અરજીમાં તું સહી કરી દે,
શક્ય છે આમ સંયુક્ત થાવું.

એ નિરાકાર જોયા કરે છે,
તારું કમરા મહીં લુપ્ત થાવું.

આ સ્વયંભૂ મળેલી સરળતા,
કેમ ત્યજવી અને ચુસ્ત થાવું.

વૃધ્ધ ને એક બાળક રમે છે,
એને જાણે નથી પુખ્ત થાવું!

ભરત વિંઝુડા

Saturday, February 26, 2011

પ્રશ્નાર્થ છે મિત્રો

શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો,
આ ‘શું’ નો ‘શું’ છે સાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

આ પાંખ છે કે ભાર એ પ્રશ્નાર્થ છે મિત્રો,
આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

આ આપણે બેઠા છીએ છાયા તળે જેની,
છે ઢાલ કે તરવાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

ગરમીમાં છે ઠંડી અને ઠંડીમાં છે ગરમી,
આ હુંફ છે કે ઠાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

સુખ જેવું કશું છે તો પછી ક્યાં છે કશું એ,
આ પાર કે તે પાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

આ પંખીની બોલીય છે ક્યાં મુક્ત દ્વિધાથી ?
છે ટહુકો કે ચિત્કાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

છે આમ તો ગુજરાતનો જણ કિન્તુ એ ‘ઘાયલ’
છે ક્યાંનો ગઝલકાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

અમૃત ‘ઘાયલ’

LIST

.........